દેવુ વધી જતાં ગાંધીનગરનાં યુવાને નર્મદા કેનાલમાં ઝંપલાવી કરી આત્મહત્યા
ગુજરાતના ગાંધીનગરમાં ન્યુ વાવોલ ઉવારસદ ખાતે રહેતા 28 વર્ષના શાકભાજીના વેપારીએ ગઈકાલે સોમવારે ખોરજ નર્મદા કેનાલમાં કુદકો મારી ને આત્મહત્યા કરી હતી. અડાલજ પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે. મૃતકને માથે 18 લાખનું દેવું હોવાથી તેણે આત્મહત્યા કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. કેનાલમાં આપઘાત કરતા પહેલા યુવકે સોસાઈટ નોટ લખીને ઘરે મુકી હોવાનું પણ પોલીસને જાણવા મળ્યું છે.
અડાલજ પોલીસના સુત્રો દ્રારા જાણવા મળ્યું છે કે, ન્યુ વાવોલ ઉવારસદ સંકલ્પ રેસિડેન્શિમાં રહેતા ભોગીલાલ પટેલનાં પરિવારમાં પત્ની તેમજ બે દિકરા છે. જેમનો 28 વર્ષનો મોટો પુત્ર વિપુલ તેમજ નાનો પુત્ર નવનીત છે. સ્નાતક સુધીનો અભ્યાસ કરેલો વિપુલ ગાંધીનગર ખાતે બ્લૂ બેલ એકઝોટીકાની દુકાનમાં શાકભાજીનો ધંધો કરતો હતો.
સોમવાર સવારે વિપુલ સવારે બાઈક લઈને ઘરે કોઈને કહ્યા વિના નીકળી ગયો હતો. જેનાં પગલે પરિવારજનો તેમજ તેના મિત્રો એ તેની શોધખોળ શરુ કરી હતી. તે દરમિયાન વિપુલનું બાઈક ખોરજ નર્મદા કેનાલ પાસે મળી આવી હતી. જેથી આપઘાતની ઘટના બની હોવાની આશંકા રાખીને તેના પરિવારજનો પણ કેનાલ દોડી આવ્યા હતા. તેમણે બહીયલનાં તરવૈયાઓને બોલાવીને કેનાલમાં તપાસ કરાવી હતી, પણ વિપુલ નો પત્તો નહીં લાગતાં ગાંધીનગર ફાયર બ્રિગેડને પણ જાણ કરી હતી.
બહીયલનાં તરવૈયા તેમજ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કેનાલમાં સંયુકત રીતે શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ત્યારે કલાકોની મહેનત પછી વિપુલની લાશ કેનાલમાંથી બહાર કાઢવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં અડાલજ પોલીસ મથકના એએસઆઇ દશરથ ભાઈ સ્ટાફના માણસો સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવી તપાસ શરૂ કરી હતી. જુવાનજોધ વિપુલની લાશ મળી આવતા પરિવાર સહિત તેના મિત્રોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
એએસઆઇ દશરથ ભાઈએ જણાવ્યું હતું કે, વિપુલે ક્યાં કારણોસર આપઘાત કરી લીધો તેનું ચોક્કસ કારણ હજી જાણવા મળ્યું નથી. પણ કેનાલ પર તેના પરિવારની પ્રાથમીક પુછપરછમાં વિપુલના માથે રૂપિયા 18 લાખનું દેવું હોવાનું જાણવા મળ્યું હતું. તે સિવાય તેના પરિવારને વિપુલે લખેલી સ્યુસાઇડ નોટ પણ મળી આવી હોવાની માહિતી આપી છે. હાલમાં મૃતકની અંતિમ ક્રિયા ચાલુ હોવાથી સ્યુસાઇડ નોટ કબ્જે લેવાની બાકી છે. ત્યારબાદ જ ક્યાં સંજોગોમાં વિપુલ પટેલે આપઘાત કર્યો તેનું ચોક્કસ કારણ જાણવા મળશે.