મન હોય તો માળવે જવાય’ : તેનું જીવંત ઉદાહરણ હોય તો પોરબંદરના સોઢાણા ગામના રાજુભાઈ કારાવદરા.
મન હોય તો માળવે જવાય’
કહેવત તો આપણે સહું નાનપણથી સાંભળતા આવ્યા છીએ, પરંતુ તેનું જીવંત ઉદાહરણ હોય તો પોરબંદરના સોઢાણા ગામના રાજુભાઈ કારાવદરા.
માત્ર દશ ચોપડી ભણેલ રાજુભાઈ ના આર્થિક રીતે સદ્ધર હતા, ના તેમને અંગ્રેજી બોલતા આવડતું હતું. પરંતુ આંખોમાં દુનિયા જોવાનું સ્વપ્ન હતું અને મનમાં તેને પુર્ણ કરવા માટેની દ્રઢ ઈચ્છા શક્તિ.
યુવાન વયે તેમણે લોકોના ઘરનું કામ કર્યું, વાહનો ચલાવ્યા અને બીજા નાના-મોટા કામ સહિત બધું જ કરી છૂટ્યો. 2008માં ડ્રાઈવર તરીકે સ્થાયી નોકરી મળી અને બચત કરવાનું શરૂ કર્યું. ભાગમાં આવેલ જમીન આપી દીધી અને બધુ કરીને પાંચ લાખ રૂપિયા ભેગા કર્યા.
મિત્રોની સલાહ માની રાજુભાઈએ ઈઝરાયેલની વર્ક પરમિટ મેળવવા પ્રયાસ કર્યો, પરંતુ રૂપિયા ખૂટી પડ્યા. જીંદગીએ પણ ઠોકરો આપી, છતાં રાજુભાઈ ઝઝુમતા રહ્યા અને છેવટે વિઝા મેળવીને જ જંપ્યા. ઇઝરાયેલમાં પણ સંઘર્ષ તેમની પ્રતિક્ષા કરી રહ્યો હતો. ત્યાં તેઓ ખેડૂતોની વસાહતમાં રહ્યા, વયોવૃદ્ધ ના કેરટેકર તરીકે કામ કર્યું. પરંતુ સંઘર્ષ ના છોડ્યો.
કહેવાય છે કે ઈશ્વર સાચો સંઘર્ષ કરનાર લોકોની પરીક્ષા જરૂર લે છે, પરંતુ તેમનો સાથ ક્યારેય નથી છોડતો. રાજુભાઈનો સંઘર્ષ પણ ફળ્યો. એમના એક ઈટાલીયન મહિલા સાથે લગ્ન થયા અને તેઓ ઈટાલીમાં સ્થાઈ થયા. આજે રાજુભાઈ સ્થાનિક મેન્યુફેક્ચરિંગ યુનિટમાં કામ કરે છે અને સાથે જ ફળોની ખેતી પણ કરે છે. સાથે જ રાજુભાઈ તેમના યૂટ્યૂબ વિડીયો અને ફેસબુક લાઈવથી વિદેશના પોતાના અનુભવો અને જિંદગી વિશેની માહિતી સૌરાષ્ટ્રના લહેકામાં આપે છે.
રાજુભાઈ એ લાખો યુવનઓ માટે પ્રેરણારૂપ છે જેઓ સ્વપ્નો જુવે છે અને તેને પૂર્ણ કરવા માટે કઠોર પરિશ્રમ કરે છે. કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. સ્વપ્ન જુવો અને તેને પૂર્ણ કરવા પુરા મનથી પ્રયત્નો કરો. સફળતા તમારી રાહ જોઈ રહી છે.