નવરંગપુરાના વેપારીનો કઠલાલ પાસે કેનાલમાં કૂદી આપઘાત

જમીન પચાવી પાડવા માનસિક ત્રાસ અપાતા

ભાડુઆતો પરેશાન કરતા હોવાનું સ્યુસાઈડ નોટમાં લખ્યું : સાત દિવસ પહેલા ગુમ થયા હતા

અમદાવાદ : નવરંગપુરામાં રહેતા વેપારીએ જમીન પચાવી પાડવા માનસિક ત્રાસ આપતા શખ્સોથી કંટાળીને કઠલાલ પાસે નર્મદા કેનાલમાં પડતુ મુકીને આપઘાત કર્યો હતો. નવરંગપુરા પોલીસે સ્યુસાઈડ નોટને આધારે છ શખ્સો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

નવરંગપુરામાં સી.જી.રોડ પર એલીગન્સ ખાતે રહેતા સંજયભાઈ આર.શર્મા રખિયાલમાં ગોપાલ હાર્ડવેર નામની દુકાન ધરાવતા હતા. રખિયાલમાં ગંજી ફરાક મિલ કંપાઉન્ડ પાસે આવેલા આર.એન.એસ્ટેટમાં તેઓ ઓફિસ ધરાવે છે,

આ એસ્ટેટ સંજયભાઈની માલિકીનું છે અને નીચે આવેલા આઠ શેડ તેમણે ભાડેથી આપેલા છે. દરમિયાન 11 ઓગસ્ટના રોજ સંજયભાઈ તેમની સ્કોડા કાર લઈને ઘરેથી નીકળ્યા બાદ પરત ઘરે ન આવતા પરિવારજનોએ તેમની શોધખોળ હાથ ધરી હતી. 

 દરમિયાન ઘરમાંથી સંજયભાઈનો એક ચોપડો મળી આવ્યો હતો. જેમાં  રખિયાલમાં રહેતા રમેશભાઈ શાહ, સંદીપ શાહ ઉપરાંત ઓઢવમાં રહેતા બાબુભાઈ ચાવલા, ભરત ચાવલા અને દરીયાપુરમાં રહેતા મહંમદ ફૈઝાન શેખ અને રખિયાલમા અમિત ઘણા સમયથી આર.એન.શેડ બાબતે પરેશાન કરતા હોવાનું લખ્યું હતું.

બીજીતરફ સંજયભાઈના ભાઈને કઠલાલ પોલીસે ફોન કરીને તમારી કાર બિનવારસી હાલતમાં મળી હોવાનું જણાવ્યું હતું. આથી પરિવારજનો અંતરોવી આઉટ પોસ્ટ ખાતે ગયા હતા. જ્યાંતી કાર મલી હતી પણ સંજયભાઈનો પતો લાગ્યો ન હતો.

બાદમાં 12 ઓગસ્ટના રોજ કોઈએ સંજયભાઈના ભાઈને ફોન કરીને હરસોલી ગામની સીમ નર્મદા  કેનાલમાંમાણસની લાશ પાણીમાં તરે છે, એમ કહ્યું હતું. આ અંગે પોલીસને જાણ કરાતા સંજયભાઈનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.

આમ જગ્યા પચાવવા માટે આરોપીઓએ હેરાન કરતા સંજયભાઈએ આ પગલું ભર્યું હોવાનું તેમના પત્નીસુનીતાબહેને પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું. આ અંગે નવરંગપુરા પોલીસે રમેશ શાહ, સંદીપ શાહ, બાબુભાઈ ચાવલા, ભરત ચાવલા, મહંમદ ફૈઝાન શેખ અને અમિત સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *